વરસાદી “ઝાપટું” : ક્યાક વીજળી પડતાં વૃક્ષ સળગ્યું, તો ક્યાક વૃક્ષો ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો..!

New Update
વરસાદી “ઝાપટું” : ક્યાક વીજળી પડતાં વૃક્ષ સળગ્યું, તો ક્યાક વૃક્ષો ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો..!

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર સર્જાતા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં ભારે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે સુરત શહેર તથા જીલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વૃક્ષો ધરાસાઈ થવાની ઘટનાઓ સામે આવી છે. ડભોલી રોડ પર આવેલ બાલાજી નગર નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જ્યાં વૃક્ષ ધરાસાયી થતા ટોરેન્ટ પાવરના ટ્રાન્સફોર્મરબે નુકશાન પહોચતા સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં માર્ગ પર ધરાશાયી થયેલ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

તો બીજી તરફ, અરવલ્લી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં સવારથી જ ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. મેઘરજ તાલુકાના માળકંપા ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા નાળિયેરીના વૃક્ષ પર વીજળી પડી હતી. જેના કારણે વૃક્ષ ભડ ભડ સળગવા લાગ્યું હતું, ત્યારે ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. તો માલપુર નગરમાં પડેલા વરસાદના કારણે નગરના મુખ્ય બજારના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મોડાસા શહેરના મેઘરજ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં અવરજવર કરતાં રાહદારીઓ સહિત વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

Latest Stories