/connect-gujarat/media/post_banners/a07cf1227ed80f56cebc41b7c47134054b3005d62957e88ae44c48daa22e7032.jpg)
આજે શ્રાવણ સુદ આઠમના રોજ જન્માષ્ટમીના પર્વની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા, શામાળાજી તેમજ ડાકોરના ઠાકોર સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી નિમિતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે.
અરવલ્લી જિલ્લાના શામાળાજીમાં આવેલ સુપ્રસિદ્વ શ્રીગદાધર વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાના જન્મોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આજે જન્માષ્ટમીની વહેલી સવારે મંગળા દર્શન. શણગાર આરતીથી લઈને રાત્રિના બરાબર 12 કલાકે ક્રુષ્ણ જન્મોત્સવ સુધીના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મંદિર ટ્રસ્ટ અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે, ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરમ ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણીને લઈ તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. જોકે, લાખો રૂપિયાના ખર્ચે શ્રી રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે હવે આગામી દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું પણ આયોજન કરવામાં આવશે. આજે જન્માષ્ટમી નિમિત્તે આરતી પૂજન-અર્ચન ધ્વજારોહણ અને ક્રુષ્ણ જન્મોત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ, હર્ષોલ્લાસ સાથે લાલાના જન્મને વધાવવા સૌકોઈ આતુર બની ગયા છે.