Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરમાં બટાકાના પાકમાં આવ્યો “સુકારો” નામનો રોગ, ધરતીપુત્રોની હાલત કફોડી…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેમાં મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યુ છે.

સાબરકાંઠા જીલ્લામાં 24 હજાર હેક્ટર કરતા વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ છે. અહી મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મીંગ દ્વારા ખેતી કરી રહ્યા છે. બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ રૂ. 50થી 55 હજારનો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે, બટાકાના પાકમાં સુકારા નામનો રોગ જોવા મળ્યો છે. જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે, અને ખેતર જાણે કે સુકાઈ ગયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આમ તો હડીયોલ ગામમાં 70 ટકાથી પણ વધુ બટાકાના પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે, અને મોટા ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે.

તો બીજી તરફ, સતત વાદળછાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે. આ ઉપરાંત ફુગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવું પણ ખેડૂતોનું માનવું છે. સુકારા રોગને લઈ બટાકાના પાન તો ઠીક પણ મુડીયા પણ કોહવાઈ ગયા છે. આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મીંગમાં 45 MM કરતા વધુની સાઈઝના બટાકા થાય તો ખેડૂતોનો પાક વેપારી લઈ શકે છે. જોકે, હાલ બટાકાની સાઈઝ 30થી 35 MM જ થઈ છે. જેને લઈને આ બટાકા તો ગ્રેડીંગમાં જ નીકળી જતા હોય છે. જેથી ખેડૂતોને ભારે નુકશાન થઈ શકે તેમ છે. વાવેતર પાછળ કરેલ ખર્ચ ઉપરાંત રૂ. 20થી 25 હજારની દવાનો છંટકાવ કરવા છતા પણ સુકારા રોગનો કોઇ નિવેળો આવતો નથી.

Next Story