આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 55 બેઠક પર ક્ષત્રિય ઉમેદવારોને ચૂંટણી લડાવવાણી માંગ સાથે હિંમતનગરમાં કરણીસેના દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે રવિવારે કરણી સેનાની બાઈક રેલી યોજાઈ હતી. જેમાં કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાત કરણી સેના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કરણી સેનાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલીનો જિલ્લા પંચાયત કચેરી નજીકથી પ્રારંભ થયો હતો. તો રેલી મહેતાપુરા થઈને ટાવર ચોક થઈને મોતીપુરા પહોંચી હતી. જ્યાંથી ખેડતસીયા રોડ પર થઈને ગોકુલનગર પહોંચી હતી. જ્યાં અનંતા પાર્ટી પ્લોટમાં સભામાં ફેરવાઈ હતી.
આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ અને પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, આવનારી વિધાનસભાની ચુંટણીમાં 55 જેટલી બેઠકો પર ક્ષત્રિયોને લડાવવાની ઉગ્ર માગ સાથે આ રેલી યોજાઈ હતી. જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ પ્રભુત્વ ધરાવે છે ત્યા પ્રતિનિઘીત્વ આપે કારણ કે 567 રજવાડા હતા પરંતુ રાજકીય કિન્નાખોરીનો ભોગ ક્ષત્રિય સમાજ બન્યા છે. 75 વર્ષોથી ક્ષત્રિયોને કચડી જ રહ્યાં છે જો અમને કોઈપણ પાર્ટી ઉમેદવારી આપશે તો એને અમે ખુલ્લુ સમર્થન કરીશુ.