/connect-gujarat/media/post_banners/09787e22833ca5db2056aae6721158af5b955c9e658efda86c3894948f317ab3.jpg)
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં લઇ જવાતો અનાજનો જથ્થો લઇને નીકળેલું વાહન બિનવારસી મળી મોટા કૌભાંડની આશંકા વચ્ચે પુરવઠા વિભાગ દોડતું થયું હતું. સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાં ચાલતી અનેક સસ્તા અનાજની દુકાનો થકી તાલુકાના શહેરી વિસ્તાર અને ગામડાંઓમાં રહેતા ગરીબ પરિવારોને અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ઇડર તાલુકામાં સાંજના સમયે અનાજનો જથ્થો લઇને નીકળેલું વાહન ઇડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ઇડર તાલુકામાં સસ્તા અનાજના સંચાલકો સામે અનેકવાર ગ્રાહકો આક્ષેપ કરતા હોય છે, ત્યારે સતત 5 કલાક સુધી આ વાહન બિનવારસી પડી રહેતાં કોન્ટ્રાકટર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સરકારી ગોડાઉન ખાતેથી નીકળેલું વાહન 12 જેટલાં ગામડાંઓની સસ્તા અનાજની દુકાનોમાં માલ પહોચાડવાનું હતું. જોકે, આ વાહન મુખ્ય સ્થળ પર પહોંચવાની બદલે અન્ય સ્થળે બિનવારસી હાલતમાં મળી આવતા મોટું કૌભાંડ થયું હોવાની આશંકા વર્તાઈ રહી છે. ગરીબનો કોળિયો લઇ જતું વાહન મોડી રાત્ર સુધી બિનવારસી હાલતમાં પડી રહેતા જાગૃત નાગરિકો દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ઈડર પુરવઠા વિભાગ સહિત મામલતદારની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.