સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામના ગજાનંદ યુવક મંડળના નવયુવાનોએ ભાદરવી પૂનમે અંબાજી જતાં પદયાત્રીઓ માટે અનોખુ સેવાકાર્ય કર્યું છે. આ યુવાનોએ માર્ગ પર ઊગી નીકળેલા ઘાસ અને ઝાડી ઝાંખરામાં દવાનો છંટકાવ કરી સુકવીને બાળી નાખવાનું સરાહનીય કાર્ય સાથે લગભગ 70 કિમી રસ્તો સ્વચ્છ કર્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે. આ વર્ષે આગામી તા. 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે, ત્યારે આ મેળામાં સમગ્ર ભારતમાંથી માઈભક્તો લાખોની સંખ્યામાં આવી ખાસ કરીને માતાજીની આરતીમાં સામેલ થઈ દર્શન-પૂજનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે. તો બીજી તરફ, પગપળા અંબાજી અને ખેડબ્રહ્મા જનારા માઈ ભક્તોને ચાલવામાં તકલીફ ન પડે તે માટે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામના ગજાનંદ યુવક મંડળના નવયુવાનોએ રસ્તાની બાજુમાં ઊગી નીકળેલા મોટા ઘાસમાં દવાનો છંટકાવ કરી ઘાસને સુકવી બાળી દેવાની એક સરાહનીય પહેલ કરી છે.
આ નવયુવાનોએ 30 કિમીના રસ્તામાં દવા છાંટીને હાલમાં શામળાજી તરફ જતા 40 કિમીના રસ્તામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. ગજાનંદ યુવક મંડળના સભ્ય અનિલ પટેલે જણાવ્યુ હતું કે, અમારું ગામ પણ આ રસ્તા ઉપર જ આવે છે. અહીંથી હજારો શ્રદ્ધાળુઓ આવનારા 20 દિવસમાં પસાર થશે, ત્યારે અમે વિચાર્યું કે, પગપાળા જતાં માઈભક્તોને કેવી રીતે સેવારૂપ થઇ શકીએ, તે હેતુથી જ આ સેવાકાર્યની શરૂઆત કરવમાં આવી છે. આમ 70 કિલોમીટરના રસ્તામાં દવા છાંટી ગજાનંદ યુવક મંડળે માઈભક્તોની ફૂલ નહીં, તો ફૂલની પાંખડી સમાન સેવામાં સહયોગ આપ્યો છે.