ભાભીએ દિયરની કરાવી હત્યા
રૂપિયા બે લાખમાં આપી સોપારી
પ્રેમી સાથે મળીને હત્યાને આપ્યો અંજામ
ઈક્કો કારમાં ગળે ટૂંપો દઈને કરી હત્યા
પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામમાં સંબંધોને શરમાવે તેવી ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. ભાભીએ પોતાના પ્રેમી સાથે મળી દિયરનું રૂપિયા બે લાખની સોપારી આપી પૂર્વયોજિત રીતે હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલિયા ખાતે રહેતી કોકિલાબેનને ગામના જ દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા સાથે પ્રેમસંબંધ હતો. આ અંગે કોકિલાબેનના દિયર વિષ્ણુસિંહને શંકા થઈ ગઈ હતી. તેથી દિયર - ભાભીને અવારનવાર બોલાચાલી થતી હતી. આથી ભાભીએ દિયરને મારી નાખવાનું કાવતરું રચી ગામમાં જ રહેતા પ્રેમી દોલતસિંહ મકવાણાને બે લાખ રૂપિયાની સોપારી આપી હતી. જે બાદ વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા તથા અનોડિયાના રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડનો આ અંગે સંપર્ક કર્યો હતો. વિક્રમસિંહ મકવાણા તથા રમેશસિંહ રાઠોડે હત્યાનો પ્લાન ઘડી વિષ્ણુસિંહને લગ્ન કરવા માટે છોકરી બતાવવાના બહાને લઈ ગયા હતા. જે રાત્રિના સમયે ઇકોમાં બેસાડીને વિષ્ણુસિંહને લઈ જઈને ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો. જે બાદ તેની લાશ પ્રાંતિજના કાલીપુરાથી લવારી ગામ તરફ જવાના રસ્તામાં જેટકોની દીવાલ પાસે ફેંકી દીધી હતી.
પોલીસને મૃતદેહ અંગે જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકની ઓળખ પ્રાંતિજના સદોલિયા ગામના વિષ્ણુસિંહ નવલસિંહ મકવાણા તરીકે કરી હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
આ હત્યા સામે આવતા મૃતકના ભાઈએ પોતાની પત્ની કોકિલાબેન, તેના પ્રેમી તથા અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કોકિલાબેન ગણપતસિંહ મકવાણા, દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા, વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા તથા રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા.