સાબરકાંઠાના હિંમતનગરના બળવંતપુરા ગામના દિવ્યાંગ દંપતીએ 150 દિવ્યાંગ અને 20 વિધવાઓને રોજગારી આપવા માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કાર્યો છે જેમાં અનેક લોકોને રોજગારી મળી રહી છે
હિંમતનગરના બળવંતપુરા કંપામાં રહેતા જન્મજાત દિવ્યાંગ દંપતી જગદીશભાઈ પટેલ અને ચેતનાબેન પટેલે હાર માનવાને બદલે દિવ્યાંગોની મદદ કરવા એક અનોખો સેવાયજ્ઞ શરૂ કરી દિવ્યાંગજનોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ શરૂ કર્યું છે.ધો.-10 પાસ 42 વર્ષિય જગદીશભાઈ અને તેમના પત્ની ચેતનાબેન પટેલે જણાવ્યુ હતું કે પહેલા બહારથી હોલસેલમાં સાબુ ખરીદતા અને વેચતા હતા જેમાં ઓછો નફો મળતો.જેથી કાંઇ કરવા માટે વિચાર્યું અને પરીવારની મદદથી ગુરુ શક્તિ ડિટર્જન્ટ દિવ્યાંગ ગૃહ ઉધોગની સ્થાપના કરી સાબુ બનાવવાનું યુનિટ શરૂ કરી સાબુ, પાવડર, વોશિંગ મશીન પાવડર, લિક્વિડ, ડિશવોશ, ટાઈલ્સ ક્લીનર, ફ્લોર ક્લીનર સહિત 12 વસ્તુઓનું પ્રીમીયમ ક્વોલિટીનું પ્રોડક્શન કરી વેચાણ કરી રહ્યા છીએ. આ કામમાં 7 જેટલા અન્ય લોકોને રોજગારી મળી રહી છે.મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોને પગભર કરવાનો હોઇ વસ્તુઓના વેચાણ માટે દિવ્યાંગોને જ પસંદ કરવાનું નક્કી કર્યું અને હાલમાં150 જેટલા દિવ્યાંગોને પોતાનો માલ હોલસેલ ભાવે વેચે છે જેથી આ માલનું વેચાણ કરી તેઓ નફો મેળવી રોજગારી કમાઈ શકે. આ સાથે તેઓ 20 જેટલી વિધવાને પણ વેચાણ માટે પોતાનો માલ આપે છે.