Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડો નીકળતા GPCBએ સ્થળ પરથી સેમ્પલ મેળવ્યા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે પણ મુલાકાત લઈ સ્થળ પરથી સેમ્પલ મેળવ્યા હતા.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે ખુલ્લી જગ્યામાં લાકડા લેવા ગયેલી મહિલાનો પણ જમીન ધસી જવા સાથે દાઝ્યો હતો. ત્યારબાદ જમીનમાંથી વરાળ સાથે ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી. જોકે, ધુમાડો વધુ પ્રસરતા ગામના સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા. સ્થાનિકોએ પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરી હતી, ત્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ધુમાડો નીકળતી જગ્યાએ પાણીનો છંટકાવ કર્યો હતો. આ દરમ્યાન ધુમાડો નીકળવાનું બંધ થયું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળની મુલાકાતે આવ્યા હતા, અને બાદમાં JCBની મદદથી ખોદકામ કરાવ્યુ હતું. જોકે, હાલ તો ધુમાડો નીકળવાનું બંધ થતા ખોદકામ કરી જગ્યા પર ખાડા કરી દેવામાં આવ્યા છે.

જોકે, પ્રાંતિજ તાલુકાની સીમમાં અલગ અલગ પ્રકારની સિરામિક્સ અને ઉદ્યોગો આવેલા છે, ત્યારે ઉદ્યોગોમાંથી નીકળતી વેસ્ટનો આજુબાજુના ગ્રામજનો જમીનમાં પુરાણ માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ નનાનપુર ગામે વર્ષો અગાઉ વેસ્ટ થકી પુરાણ કરવામાં આવ્યું હતું. વર્ષો બાદ પુરાણ થયેલ જગ્યા પર વેસ્ટના કારણે ધુમાડો નીકળતા તંત્ર દોડતું થયુ હતું, ત્યારે હાલ તો કેમિકલયુક્ત વેસ્ટ હોવાને લઇ ધુમાડો નીકળતો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે પણ મુલાકાત લઈ સ્થળ પરથી સેમ્પલ મેળવ્યા હતા.

Next Story