Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : દેશની રક્ષા માટે નીકોડીયાના જવાને 500થી વધુ યુવક-યુવતીઓને તૈયાર કર્યા, જુઓ કેવી આપી તાલીમ..!

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નીકોડીયા ગામના જવાને વર્ષ 2011માં ફોજમાં પીટીઆઇ તરીકે જોડાયા બાદ હવે ગ્રામ્ય કક્ષાએ રહેલા યુવક-યુવતીઓને પણ માભોમની રક્ષા માટે તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે, ત્યારે હાલ સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારના લગભગ 500થી વધુ યુવક-યુવતીઓ જરૂરી તાલીમ લઈ ભારત દેશની વિવિધ સીમા ઉપર ફરજ બજાવી રહ્યા છે.

હિંમતનગર તાલુકાના નીકોડીયા ગામના વતની સંજયસિંહ પરમારે છેલ્લા કેટલાક સમયથી કરેલો પ્રયાસ હવે પરિણામ સ્વરૂપ બની રહ્યો છે. હાલમાં દેશની રક્ષા માટે 500થી વધુ જવાનો સાબરકાંઠાના હિંમતનગર ગ્રામીણ વિસ્તારમાંથી તૈયાર થયા છે. જે ભારત દેશની વિવિધ સીમા ઉપર ફરજ બજાવે છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે ગ્રામીણ વિસ્તારમાં રહી કોઈપણ પ્રકારની વિશેષ સવલત વિના 500થી વધુ જવાનો તૈયાર કરવા તે ખૂબ મોટી વાત છે.

દેશના વિવિધ સીમાડા ઉપર સૈન્યના ભાગરૂપ બનવું તે ગૌરવરૂપ બાબત છે, પરંતુ આ ગૌરવ અપાવવા માટે યુવક-યુવતીઓને દેશના સૈન્યમાં શામેલ થવા માટે ટ્રેનરની પણ ખૂબ મોટી અગત્યતા રહેલી છે. માતૃભૂમિની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની મસમોટી વાતો વચ્ચે સામાન્ય ગ્રામીણ વિસ્તારના યુવકે 500 જેટલા યુવક-યુવતીઓને સેનામાં શામેલ કર્યા છે, ત્યારે ભારતીય હોવાનો ગર્વ કોણ લઈ શકે તે માટે સંજય પરમાર એક ઉદાહરણ સ્વરૂપ સાબિત થયા છે. જોકે. એક તરફ સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ તેમજ સરકાર અને સંસ્થાઓના સહયોગ વિના ભારતીય સૈન્યમાં યુવક-યુવતીઓને જોડવા માટે પાયારૂપ ભૂમિકા ભજવનાર ગ્રામીણ યુવકને વિશેષ સહાય અને સહયોગ આપવામાં આવે તો હજુ પણ ઘણા યુવક યુવતીઓ દેશની સેનામાં જોડાવા માટે પાયાની ભૂમિકા ભજવી શકે તેમ છે.

Next Story