/connect-gujarat/media/post_banners/ecc93f9edc673ff7d9f5da1907c7f98967adff19e722e2d7b92c194c78680cf0.jpg)
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીકથી પસાર થતી ખાડીમાં અચાનક મેશ્વો નદીનું પાણી આવતા રેતી ભરવા ગયેલું ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જોકે, લાંબી શોધખોળ બાદ ટ્રેકટર મોડી રાત્રે એક કિલોમીટર દૂરથી મળી આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી મેશ્વો નદી પર તલોદ નજીક ગોરઠીયા-જવાનપુરા બેરેજ યોજના આવેલ છે, ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં નદીમાં નવા નીરની આવક થઈ હતી. ધનિયોર ગામ નજીક આવેલ ખાડીમાં ટ્રેકટર મારફતે કેટલાક લોકો માટી ભરવા ગયા હતા. તેવામાં મેશ્વો નદીમાં અચાનક પાણી આવતું દેખાતા જ લોકોએ ટ્રેકટર બહાર કાઢવા પ્રયાસો કર્યા હતા. જોકે, ઉબડખાબડ ખાડાના કારણે ટ્રેકટર ફસાઈ જતાં નિકળ્યું ન હતું, ત્યારે ટ્રેક્ટર ચાલક સહિત માટી ભરનારા લોકો ત્યાંથી બહાર નીકળી કિનારા પર આવી ગયા હતા. જોતજોતામાં પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર ગરકાવ થયું હતું. ત્યારબાદ લાંબી શોધખોળ બાદ મોડી રાત્રે પાણી તણાયેલું ટ્રેકટર ધનિયોરથી એક કિલોમીટર દૂર મળી આવ્યું હતું. જોકે, સિંચાઇ વિભાગ દ્વારા નદીમાં પાણી આવતા તલોદના 10થી વધુ ગામોને નદી કિનારે નહીં જવા સૂચન કરાયું હતું. છતાં લોકો માટી ભરવા ગયા હતા, ત્યારે ટ્રેક્ટર તણાઇ જવાની ઘટના સર્જાય હતી. સમગ્ર બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.