રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવી હતી.
તા. 9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારથી જ તા. 9 ઓગષ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે ગુજરાત સરકારના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓ માટે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી કુબેર ડીંડોર, ખેડબ્રહ્માના ધારાસભ્ય રમણ વોરા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, સાબરકાંઠા જિલ્લા જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આધિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.