સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે અકસ્માતના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં હોવાની લાગણી સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લાં કેટલાંક દિવસોથી ભાખરીયા બસ સ્ટેશન, શાકમાર્કેટ, ત્રણ રસ્તા, એપ્રોચરોડ, બજારચોક રેલવે સ્ટેશન, નાની ભાગોળ , નેશનલ હાઈવે સહિત વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચોવચ રખડતી ગાયો અડીંગો જમાવીને બેસે છે,વધુમાં આ ગાયો વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે અને તેનો ભોગ પાર્ક કરેલા વાહનો બને છે.
જેના પરિણામે વાહનચાલકોને મોટી નુકશાની વેઠવાનો વારો આવે છે.આ અંગેની નગરપાલિકામાં રજુઆત કરવામાં આવી છતાં પ્રાંતિજ પાલિકાની ઉંઘ ઉડતી નથી. તો નગરપાલિકાના ગેટની બાજુમાં જ ગાયો અડીંગો જમાવીને બેસે છે તો પણ પાલિકા કોઈ કાર્યવાહી કરી શક્તિ ન હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં માર્ગ પર ગાયોનું ટોળું બેસીને જમાવટ કરતાં અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે.વહેલી તકે પાલિકા તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.