-
ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમ
-
ડેમમાંથી 385 ગામ 9 શહેર અને 169 પરા વિસ્તારમાં મળે છે પાણી
-
ડેમના પાણીનો 98000 હેકટરમાં સિંચાઈ માટે કરાય છે ઉપયોગ
-
સિંચાઈ માટે માર્ચ મહિનામાં સુધી મળશે પાણી
-
એપ્રિલ મહિનામાં ડેમ અને મુખ્ય કેનાલનું કરાશે સમારકામ
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સિંચાઈ દ્વારા મળતું પાણી માર્ચ સુધી આપવામાં આવશે,જ્યારે એપ્રિલ મહિનામાં ડેમની મુખ્ય કેનાલમાં સમારકામની કામગીરી અંગે ડેમના ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાત માટે ધરોઈ ડેમ જીવાદોરી સમાન છે, ધરોઈ ડેમમાંથી ઉત્તર ગુજરાતના 385 ગામ 9 શહેર અને 169 પરા વિસ્તારમાં પીવાનું પાણી તથા 98000 હેક્ટરમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ વર્ષે સારા વરસાદને લીધે ધરોઈ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થવા પામ્યો છે.
ધરોઈ ડેમના ઇજનેર સુમિત પટેલના જણાવ્યા મુજબ ખેતીની સિઝનમાં જરૂરી પાણી કેટલી વખત આપવું આ માટે સિંચાઈ વ્યવસ્થા કમિટીની મિટિંગ મળતી હોય છે અને આ મીટીંગમાં પાણી કમિટીના સભ્યો જે ખેડૂતો હોય છે એમની સાથે ચર્ચા કરવામાં આવે છે,ત્યાર બાદ કેટલી વાર પાણી આપવું એ નક્કી કરવામાં આવતું હોય છે.
આ વખતે શિયાળુ પાક માટે પાંચ વખત સિંચાઈનુ પાણી આપવાનું જળ વ્યવસ્થાપન કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે એ મુજબ છેલ્લું પાંચમી વખતનુ પાણી 22 માર્ચ સુધી આપવામાં આવશે.ત્યારબાદ એપ્રિલ મહિનામાં ડેમમાં અને ખાસ કરીને મુખ્ય કેનાલમાં મરામતની કામગીરીને પગલે સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે,ધરોઈ ડેમ દ્વારા ડાબા અને જમણા કાંઠા વિસ્તારમાં 36000 હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે.