-
વિશ્વની અજાયબીઓ હવે ગુજરાત રાજ્યમાં જોવા મળશે
-
સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થયો
-
પેરિસના એફિલ ટાવર, આગ્રાના તાજમહેલનો સમાવેશ
-
દિવસભર હજારો પર્યટકો લઈ રહ્યા છે પાર્કની મુલાકાત
-
કુદરતી વાતાવરણમાં રહેવાનો આનંદ માણતા પર્યટકો
વિશ્વની અજાયબીઓ જોવા માટે જે લોકો પાસે વિદેશ જવાના પૈસા ન હોય તો તે લોકોએ મૂંઝાવાની જરૂર નથી... કારણ કે, ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ઉભી થઈ છે વિશ્વની તમામ અજાયબીઓ. જેને જોવા માટે રોજના હજારો પર્યટકો સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.
પેરિસનો એફિલ ટાવર હોય કે, પછી હોય આગ્રાનો તાજમહેલ... આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી. કારણ કે, આ તમામ અજાયબીઓ હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. હિંમતનગર-વિજાપુર હાઇવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્કમાં આ તમામ અજાયબીઓને આકાર અપાયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા પ્રાકૃતિક પરિવેશથી ભરપૂર આ પાર્કમાં હાલ રોજના 8થી 10 હજાર પર્યટકો મુલાકાતે આવી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં આ પ્રકારનો પાર્ક હજુ સુધી કોઈ બન્યો નથી કે, જ્યાં માનવસર્જિત 20 લાખથી વધુ વૃક્ષોના જંગલ, અલગ અલગ પતંગિયા, એમ્યુઝમેન્ટ પાર્ક, વિશ્વની અજાયબીઓ, હંટેડ હાઉસ ઉભા કરાયા છે. અહી સવારથી સાંજ સુધી આવતા પર્યટકો પ્રદૂષણ મુક્ત મોજ સાથે દિવસ પસાર કરી શકે છે. તિરુપતિ નેચરલ પાર્કમાં નિર્માણ પામેલ જંગલ સફારીમાં લોકો ખાસ પસંદ કરે છે. ખુલ્લી જીપમાં બેસીને થતી જંગલ સફારીમાં રોમાંચ લેવાનું પણ અહી આવેલા પર્યટકો ભૂલતા નથી.
ગુજરાતનો આ માત્ર એક એવો પાર્ક છે કે, તમે બહારથી નાસ્તો લાવીને કોઈ પણ જગ્યાએ જમી શકો છો. અને એના કારણે જ માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને જુનાગઢથી પણ હજારો લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની દુર્ઘટના બાદ હવે લોકો ગેમ ઝોનમાં જતા અટકાઈ રહ્યા છે, ત્યારે કુદરતી વાતાવરણમાં આકાર લીધેલા તિરૂપતિ નેચરલ પાર્કમાં લોકો અવનવા વૃક્ષોની માહિતી તો મેળવે જ છે, પણ સાથે સાથે ગીચોગીચ જંગલમાં આખો દિવસ રહેવાનો આનંદ પણ માણી રહ્યા છે.