રાજ્યમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર ખૂબ તેજ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ કેન્દ્રીય નેતાઓ ભલે ગુજરાતથી દૂરી બનાવી ચાલી રહ્યા હોય પણ પ્રાદેશિક નેતાઓ પ્રચારની સાથે સાથે મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે મહેનત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગઈકાલે જ મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં વાપસી કરી હતી, ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રી-એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, શંકરસિંહ વાઘેલા કોઈપણ શરત વગર જ પાર્ટીમાં આવી જવા માટે તૈયાર છે. શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં તમામ વાતો નક્કી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને શંકરસિંહ વાઘેલાની વચ્ચે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર મધ્યસ્થતા કરી રહ્યા છે.
એવામાં આગામી દિવસમાં મોટું એલાન કરવામાં આવી શકે છે. શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગુજરાતમાં પોતાની પાર્ટી રાજપાના 'ટનાટન' પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કપડા મંત્રી રહી ચુક્યા છે. વર્ષ 2017માં સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સાથે કથિત વાંધો પડતા બાપુએ કોંગ્રેસ છોડી, પણ એ પહેલાં તેમના કથિત જૂથના ધારાસભ્યોને પાર્ટીમાંથી 'રવાના ' કર્યા. પોતાના જન્મદિવસે જ બાપુએ મોટું એલાન કરી કોંગ્રેસ છોડી. રાજ્યસભાની ચૂંટણી વેળા, ધારાસભ્ય કોંગ્રેસ છોડી ગયા. બાપુએ વિધાનસભા ચૂંટણી વેળા 'જન વિકલ્પ' મોરચો પણ બનાવ્યો હતો, પણ તેમાં સફળતા મળી ન હતી.