શું આપ એ જાણો છો કે, સોમનાથ ટ્રસ્ટે શ્રદ્ધાળુઓના આસ્થાના જતનની સાથે સાથે પર્યાવરણ શુદ્ધિકરણનો મહાયજ્ઞ પણ આરંભ્યો છે. આ મહાયજ્ઞ હેઠળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં દર વર્ષે સરેરાશ 1 કરોડ લીટર કરતાં વધુ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.
ગીર સોમનાથ જીલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે હવે સોમનાથ પર્યાવરણ સંરક્ષણનું ધામ પણ બની રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ટ્રસ્ટે અનેક પર્યાવરણલક્ષી પ્રકલ્પો હાથ ધર્યા છે. આ પ્રકલ્પ પૈકીનો વર્ષ 2015માં શરૂ થયેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ પ્લાન્ટે આજ દિન સુધીમાં 7 કરોડ 88 લાખ લીટર દુષિત પાણીને શુદ્ધ કર્યું છે. જેનો ઉપયોગ આ તીર્થને હરિયાળું બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટે આરંભમાં એક પ્લાન્ટ લગાવ્યો, પણ તેની સફળતા બાદ તે અતિથિ ગૃહ, યાત્રી સુવિધા ભવન, ચોપાટી અને પાર્કિંગ સહિતના ક્ષેત્રોમાં લગાવાયો, જેના પગલે પ્રત્યેક મહિને સરેરાશ 26 લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. આજે જ્યારે દુનિયા ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ જેવા તીર્થસ્થાનો પર્યાવરણ સંરક્ષણની દિશામાં પ્રેરણારૂપ કાર્ય કરી સમાજને નવી દિશા ચીંધી રહ્યા છે.