ગુજરાતની શાન સમાન સોમનાથ ખાતે રૂપિયા 30 કરોડના ખર્ચથી બનેલાં સરકીટ હાઉસનું વડાપ્રધાન તથા મુખ્યમંત્રીની વર્ચયુઅલ હાજરીમાં લોકાર્પણ કરાયું.ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ.30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનું લોકાપર્ણ કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ સમારંભમાં જોડાયાં હતાં. જયારે સોમનાથ ખાતે રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી અને અન્ય મહેમાનો હાજર રહયાં હતાં. આ પ્રસંગે વડાપ્રધાને કહયું હતું કે, સોમનાથ મંદિર આસ્થા અને સંસ્કૃતિનું મોટું કેન્દ્ર છે. દેશ આજે પર્યટનને સર્વગ્રાહી દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો છે. દેશમાં પ્રવાસન વધારવા માટે સરકાર સ્વચ્છતા, સુવિધા, સમય અને વિચાર પર ભાર આપી રહી છે.
સોમનાથ મંદિર પાસે બનેલા આ નવા સર્કિટ હાઉસમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરાય છે. આ નવા સર્કિટ હાઉસમાં કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ, વીઆઇપી ડીલક્સ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસના દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો જોવા મળે છે.સરકીટ હાઉસના નિર્માણ પાછળ 30 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કરાયો છે. સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો મંદિરનું શિખર લગભગ 150 ફૂટ ઊંચું છે. મંદિરની ટોચ પર 10 ટન વજનનો કળશ છે. આ મંદિર સમગ્ર 10 કિમી માં ફેલાયેલું છે અને તેમાં 42 વધુ મંદિરો છે. મુખ્ય મંદિરની અંદર ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્ય મંડપ છે. સોમનાથ મંદિરની ઇમારતનું પુનઃનિર્માણ આઝાદી પછી સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.