/connect-gujarat/media/post_banners/33a78f8fd3a617d10caab295c7d9f9c11fa55efce25eca04ee4b13d6772b741c.jpg)
વલસાડ જિલ્લાના બગવાડા પાસેથી હાલતા ચાલતા શેરડીના રસના કોલાના વાહનમાં છુપાવીને દારૂની હેરાફેરી કરતાં શખ્સની પારડી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
ગામડે ગામડે તથા શહેરી વિસ્તારની ગલીઓમાં ભરબપોરે ઘરે ઘરે જઈ શેરડીનો તાજો રસ પીવડાવી લોકોને ઠંડક પહોંચાડતી સૌરાષ્ટ્ર બનાવટની ડીઝલ એન્જિનમાંથી બનેલી ગાડીઓ આમ તો સૌકોઈને નજરે પડે જ છે. પણ શું ક્યારેક એવું વિચાર્યું કે, શેરડીના રસથી ઠંડક આપનાર હવે નશો પણ કરાવશે. એક જગ્યાથી અન્ય જગ્યાએ જઈ શકે તેવી શેરડીનો રસ કાઢવાની ગાડીઓ વિના રોકટોક ફરતી હોય છે. આવી જ એક ગાડી વલસાડ જિલ્લાના વાપીના બગવાડાથી આવી રહી હતી. જે ગાડીમાં દમણથી દારૂ ભર્યો હોવાની બાતમી પારડી પોલીસને મળતા બાતમીવાળી શેરડીનું કોળું બનાવેલ ગાડી આવતા તેને થોભાવી તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શેરડીના રસની આ ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી પોલીસે 180 જેટલી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો વિશાળ જથ્થો, મોબાઈલ તેમજ શેરડીના કોલાનું વાહન મળી 78,400 રૂપિયાના મુદ્દામાલ સહિત રસની ગાડી ચલાવનાર ધરમપુરના રહેવાસી રતનલાલ પ્રહલાદ શૈનીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મગાવનાર ધરમપુરના શૈલેષ પટેલ તથા દારૂ ભરાવનાર ઠાકોર વિઠ્ઠલ કામળીને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.