પાવાગઢ ખાતે ધર્મશાળાના રૂમમાંથી નડિયાદ SRP ગ્રુપ 7 ના પોલીસ ઇસ્પેક્ટર ગણપતભાઈ પટેલ કોઈ કારણોસર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા,પાવાગઢ પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી આસો નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને SRP પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે,જે SRP પોલીસના બંદોબસ્તની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ખેડા જિલ્લાના નડિયાદ SRP ગ્રુપ 7ના પોલીસ ઇન્સ્પેક્ટર ગણપત રતુભાઈ પટેલ ઉંમર વર્ષ 35 રહે.ધાનેરી તાલુકો દાંતીવાડા, જીલ્લો બનાસકાંઠા આવ્યા હતા. જેમાં SRP પોલીસ ઇન્સ્પેક્ટર ગણપત પટેલ પાવાગઢની તળેટી ચાંપાનેર ગામમાં આવેલ શિવ શક્તિ ધર્મશાળાના રૂમમાં ખાતે રોકાયા હતા.જેમાં ગઈકાલે રાત્રિના સુમારે તેઓ શિવ શક્તિ ધર્મશાળાના રૂમમાં સુઈ ગયા હતા.જેમાં ધર્મશાળામાં રોકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર ગણપત પટેલ આજે ગુરુવારે સવારે મૃત હાલતમાં મળી આવતા શિવ શક્તિ ધર્મ શાળાના ખાતે દોડધામ સાથે ચકચાર મચી જવા પામી હતી.
બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.બનાવની જાણ થતા પાવાગઢ ખાતે બંદોબસ્તમાં જોતરાયેલી SRPની પોલીસ ટીમ પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.