Connect Gujarat
ગુજરાત

મીની સોમનાથ તરીકે ઓળખાતું ભરૂચ-જંબુસરના કાવી-કંબોઈનું સ્તંભેશ્વર મહાદેવ તીર્થ, શિવરાત્રીએ ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલુ છે.

X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે ધામધૂમથી મહાશિવરાત્રીના ભાતીગળ મેળામાં તથા સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે શિવભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલુ છે. જે મંદિર દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ થયું છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે. સાથે જ મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે. સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં 2 વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેવી પ્રતીતિ થાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું સમગ્ર શિવલીંગ પાણીમાં ડુબી જાય છે, અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતાં રહે છે. ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે. અહી મહાશિવરાત્રીના મેળામાં ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા. શિવરાત્રી પર્વ ને અનુલક્ષી ને સ્તંભેશ્વર તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, કંબોઈ ખાતે યોજાયેલ ભાતીગળ મેળામાં આરોગ્ય શાખા-કાવી અને ગજેરા પીએચસી દ્વારા મેડિકલ સેવા તથા કાવી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Next Story