રાજ્યમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. જેથી કેબિનેટની યોજાયેલી બેઠકમાં આગામી તા. 7 જાન્યુઆરીએ 15થી 18 વર્ષના કિશોરો માટે રાજ્યભરમાં સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યભરમાં આગામી તા. 7 જાન્યુઆરીના રોજ 15થી 18 વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના સહયોગથી 20 લાખ જેટલા વેક્સિનના ડોઝ ગુજરાતને પ્રાપ્ત થશે. રાજ્યના 30થી 32 લાખ કિશોરો 15થી 18 વર્ષની વયના હોવાનો અંદાજ છે, ત્યારે તમામને રસીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. એટલુ જ નહીં, 15થી 18 વર્ષના કિશોરોને આઈડેન્ટિફાઈ કરવા માટે ખાસ એક્શન પ્લાન બનાવી ઉચ્ચ અધિકારીઓની કમિટીને ડેટા કલેક્શનની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે. તા. 3 જાન્યુઆરી પહેલા દરેક ડેટા સરકાર અને સંબંધિત વિભાગ સુધી પહોંચી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોઈ પણ કિશોર વેક્સિનેશનથી વંચિત ન રહે તેની પણ તકેદારી રાખવા આરોગ્ય વિભાગે કમર કસી છે.