/connect-gujarat/media/post_banners/d087d63b4a6a8082b1b7be3fc24bed177eb4fd6f9fc12c6b0d9583ab90413f87.jpg)
ગત તા. ૧૮ જાન્યુઆરીના રોજ સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરની આગેવાનીમાં ટેક્સટાઈલ એસોસિએશનના આગેવાનોની એક મીટીંગ મળી હતી. જેમાં ઘણા બધા વેપારીઓએ જણાવ્યુ હતું કે, કેર યુનાઇટેડ એક્સપ્રેસ પ્રાઈવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટ કંપનીએ ઘણા બધા વેપારીઓના પાર્સલ મેળવી જે તે જગ્યા ન મોકલી વેપારીઓ સાથે ઠગાઈ કરી છે. આ મામલે સુરત પોલીસ કમિશનરે સલાબતપુરા અને પુણા પીઆઈને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. તપાસના અંતે સલાબતપુરા પોલીસ મથક અને પુણા પોલીસ મથકમાં ગોડાદરા ખાતે રહેતા સંદીપ ગોપાલ શર્મા અને ડીંડોલી તળાવ પાસે રહેતા ચંદ્રકાંત ઉર્ફે બબલુસિંઘ જગદીશસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
સલાબતપુરા પોલીસ મથકમાં ૪૭ વેપારીઓ તથા પુણા પોલીસ મથકમાં ૧૦ વેપારીઓ મળી કુલ ૫૭ વેપારીઓના આશરે ૩૫થી ૪૦ લાખ રૂપિયાની છેતરપીંડી થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. સુરત ટેક્સટાઈલને લઈને આ પ્રમુખ સીટી છે. જેથી સમગ્ર દેશમાં અહિયાથી જ વેપાર કરવામાં આવે છે. જેનો કેટલાક લેભાગુ તત્વો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે, ત્યારે વેપારીઓને પડતી તકલીફો અંગે એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓની ફરિયાદ મામલે તપાસ કરીને ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.