Connect Gujarat
ગુજરાત

સુરત : જેલમાંથી છુટયાં બાદ બુટલેગર ઇશ્વર વાંસફોડીયાએ વૈભવી કારમાં કાઢી રેલી, પોલીસ ઉંઘતી રહી

વડોદરા બાદ સુરતના કડોદરામાં બન્યો કિસ્સો, અંત્રોલી ગામમાં નીકળેલી રેલીનો વિડીયો વાયરલ.

X

વડોદરામાં હત્યાના આરોપીને જામીન મળ્યાં બાદ જેલથી તેના ઘર સુધી ઓડી કારમાં રેલી કાઢી હતી. બસ કઇક આવું જ હવે સુરતમાં બન્યું છે. કુખ્યાત બુટલેગરે જેલમાંથી છુટયા બાદ વૈભવી કારમાં સમર્થકો સાથે કાઢેલી રેલીનો વિડીયો વાયરલ થઇ રહયો છે.

વૈભવી કારનો કાફલો અને કાફલામાં સનરૂફમાંથી ડોકાઇ રહેલો શખ્સ કોઇ નેતા નથી પણ કુખ્યાત બુટલેગર ઇશ્વર વાંસફોડીયા છે. તે અને તેના સમર્થકો જેલમાંથી છુટવાની ખુશી મનાવી રહયાં છે. ભુરા રંગની જેગુઆર કારમાં સવાર ઇશ્વર વાંસફોડીયા ઉપર પલસાણ તાલુકાના વાંકાનેડા ગામ ના ઉપ.સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. આ ગુનામાં આરોપી જેલમાં કેદ હતો પણ જેલમાંથી છુટતાની સાથે તેણે પોત પ્રકાશ્યું હતું. તે વૈભવી અને લાખો રૂપિયાની કિમંતવાળી જેગુઆર કારમાં રેલી સ્વરૂપે નીકળ્યો હતો.

રેલીમાં તેના સમર્થકો પણ વૈભવી કાર સાથે સામેલ થયાં હતાં. પલસાણાના અંત્રોલીના ભૂરી ફળીયા ખાતે કાઢવામાં આવેલી રેલીનો વિડીયો હાલ વાયરલ થઇ રહયો છે. અંત્રોલીના ભૂરી ફળીયા પાસેજ કડોદરા જી.આઈ.ડી.સી. નું નવું પોલીસ સ્ટેશન આવ્યું છે તેમ છતાં પોલીસ ઉંઘતી ઝડપાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં વડોદરામાં પણ આવી જ ઘટના બની હતી. હત્યા કેસમાં જામીન પર મુકત થયેલાં બુટલેગરે વડોદરા સબજેલથી તેના નિવાસસ્થાન સુધી ઓડી કારમાં સરઘસ કાઢયું હતું. આ મામલામાં વડોદરા પોલીસની આબરૂનું ધોવાણ થતાં આરોપી સામે ગુનો નોંધી તેને પોઇચા નજીકથી ઝડપી લેવાયો હતો. હવે આ કિસ્સામાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહયું.

Next Story