/connect-gujarat/media/post_banners/68dab51b4914185ae0ff53e5a1a95b436203590b21f7598cb3ed83a190686ab2.jpg)
સુરતના અંત્રોલી ગામમાં બુટલેગર ઇશ્વર વાંસફોડીયા બાદ હવે સુરતના અન્ય એક બુટલેગર માંગીલાલના સ્વાગતનો વિડીયો વાયરલ થયો છે. પીસીબીના પોલીસ કર્મચારીઓ પર હુમલાના ગુનામાં જેલમાં રહેલો માંગીલાલ જેલમાંથી છુટીને બહાર આવતાં તેના સમર્થકોએ તેનું ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું.
બે દિવસ અગાઉ તમે સુરત જિલ્લાના અંત્રોલી ગામનો એક વિડીયો જોયો હશે. જેમાં વાંકનેડાના ઉપ સરપંચને ધમકી આપવાના ગુનામાં જેલમાં ગયેલો કુખ્યાત બુટલેગર ઇશ્વર વાંસફોડીયા જેલમાંથી બહાર આવે છે. અંત્રોલીના ભુરા ફળિયામાં તે વૈભવી કારના કાફલા સાથે સરઘસ કાઢે છે અને જેગુઆર કારના સનરૂફમાંથી બહાર નીકળી નેતાની માફક લોકોનું અભિવાદન ઝીલી રહયો છે. આ કિસ્સામાં સુરતની કડોદરા પોલીસ ઉંઘતી ઝડપાય છે. હવે આવો જ એક વિડીયો વાયરલ થયો છે જે સુરતના માંગીલાલ નામના બુટલેગરનો હોવાનું કહેવાય રહયું છે.
થોડા મહિનાઓ પહેલા બુટલેગરોએ સુરતની પીસીબીની ટીમ પર હુમલો કર્યો હતો. આ ગુનામાં માંગીલાલની સંડોવણી બહાર આવતાં તેને જેલભેગો કરાયો હતો. માંગીલાલ જેલમાંથી બહાર આવતાં તેના સમર્થકોએ જાહેર રસ્તા પર ફટાકડા ફોડી તેનું સ્વાગત કર્યું હતું. થોડા દિવસના અંતરમાં બનેલી બે ઘટનાઓથી પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયાં છે. બુટલેગરોએ સમર્થકો પાસે સ્વાગત કરાવવાની નવી પરંપરા શરૂ કરી છે ત્યારે પોલીસ બુટલેગરો સામે કડકાઇથી પગલા ભરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનું ચિત્ર ઉપસી રહયું છે.