/connect-gujarat/media/post_banners/5ddc4d98a516f03c45c8f6680bd2f404c580d1e9e84835c049997e0ea6fbda43.jpg)
સુરત DGVCL દ્વારા 8 કલાકના બદલે માત્ર 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી 10 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરી છે.
સુરત DGVCL દ્વારા ખેડૂતોને SMS કરી જાણકારી આપવામાં આવી હતી કે, દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે માત્ર 6 કલાક વીજળી આપવામાં આવશે, ત્યારે ખેડૂતો માટે આ નિયમ મરણતોલ ફટકો પુરવાર થયો છે. ડાંગર અને શેરડી સહિતના બાગાયત પાકોમાં અપૂરતી વીજળીના કારણે ભારે નુકશાન થવાની આશંકા સેવાઇ રહી છે. હજુ ગયા અઠવાડિયે રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી, ત્યારે છેલ્લા 8-10 દિવસમાં જ સરકારે વીજળી બાબતે નવો નિર્ણય લેતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ઉનાળામાં પાકને વધુ નુકશાન થવાની શક્યતા હોય છે, તેવામાં 8 કલાકને બદલે માત્ર 6 કલાક વીજળી આપવાની DGVCL દ્વારા જાહેરાત કરાતા ખેડૂતો રોષે ભરાયા છે. જોકે, 8 કલાક વીજળી સમયસર આપવામાં આવે તેવી ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે. નહિતર આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.