સુરતમાં લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. કડોદરા નગરમાં સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલી એક જવેલર્સની દુકાનમાં 4 લૂંટારુઓ ધસી જઈ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
સુરત જિલ્લામાં હાલ ચોરી, લૂંટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે વધુ એક લૂંટની ઘટના સુરતના કડોદરા ખાતે બની હતી. કડોદરા નગરમાં સરદાર કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા SG જવેલર્સમાં મંગળવારે વહેલી સવારે માસ્ક પહેરી 4 લૂંટારુઓ દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં સાફ સફાઈ કરતા કર્મચારીને 'ચાંદીનું લુઝ જોઈએ છે.' તેમ કહ્યું હતું, પરંતુ કર્મચારી દ્વારા, 'શેઠ 10 વાગ્યે આવશે તેમને જ ભાવ ખબર છે' તેમ જણાવતા લૂંટારુંઓ દ્વારા કર્મચારીને દુકાનના લોકર કેબીનના દોરડા વડે હાથ-પગ બાંધી દીધા હતા અને મોઢામાં રૂમાલ મૂકીને મોઢા પર સેલોટપ મારી દીધી હતી અને માત્ર 12 મિનિટમાં જ દુકાનમાં રહેલ તમામ ઘરેણાં તેમજ દુકાનના કાઉન્ટરમાં રહેલ 30 હજાર રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. કર્મચારી દ્વારા જેમતેમ કરી હાથ-પગ પર બાંધેલ દોરડું છોડી અને બહાર આવી લોકોને તેમજ શેઠને ઘટનાની જાણ કરી હતી. કર્મચારી દ્વારા પોલીસને જાણ કરતા કડોદરા પોલીસ તેમજ જિલ્લા પોલીસની એજન્સીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.