સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટનું રજુ કર્યું હતું. 6970 કરોડ રૂપિયાના વ્યાપ ધરાવતાં બજેટને હવે મંજુરી માટે સામાન્યસભામાં રજુ કરાશે. બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સુરતએ સૌથી ઝડપી ડેવલપિંગ સીટી છે. જેથી વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સીટી બનાવવાનો સંકલ્પ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. કોરોના સામે બે વર્ષ ઝઝૂમવાની સાથે આ બજેટ રજૂ હોય તેની અસર બજેટ પર જોવા મળી હતી. નવા કોઈ પ્રોજેકટને બાદ રાખીને જુના પ્રોજેકટ અને જોગવાઈને પૂર્ણ કરવા પર અને માળખાગત સુવિધાઓ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે.
સુરત શહેરમાં વધતા પ્રદુષણને લઈને એર ક્વોલિટી મોનીટરીંગ ઇન્ડેક્સ મુકવાની સાથે વધુ ઇલેક્ટ્રિક બસો અને વાહનો દોડાવવાનું અને પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં પીજી હોસ્ટેલ અને અલાયદું ટ્રસ્ટ બનાવવામાં આવશે. ઉપરાંત સ્લમ વિસ્તારમાં દર 10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ ક્લિનિક રાખવામાં આવશે. આ ઉપરાંત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ, તાપી રિવરફ્રન્ટ, મેટ્રો રેલ પ્રોજેકટને પૂર્ણ કરવા કામો કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વધુમાં વર્ષ 2030 સુધીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા સંચાલન માટે સીટી વોટર બેલેન્સ અને એક્શન પ્લાન કરવામાં આવ્યો છે.