Connect Gujarat
ગુજરાત

સુરત : શેર બજારમાં નુકસાન જતાં રૂ. 1.55 કરોડની ઠગાઇ કરનાર ભેજાબાજ વેપારી રાજસ્થાનથી ઝડપાયો...

સુરતના મોટા વરાછાના શિવાંત એન્ટેલા એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ ઇટાલિયાએ પોતાના સાથે છેતરપિંડી થતાં ગત એપ્રિલ મહિનામાં વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ મીની બજારમાં વેપાર કરતા મોટા વરાછાના હિરા વેપારી સાથે રૂ. 1.28 કરોડ અને અન્ય વેપારી સાથે રૂ. 27.17 લાખના હીરા લઇ ઠગાઇ કરનાર આરોપીને વરાછા પોલીસે રાજસ્થાનના પુષ્કરથી ઝડપી પાડ્યો છે.

સુરતના મોટા વરાછાના શિવાંત એન્ટેલા એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ ઇટાલિયાએ પોતાના સાથે છેતરપિંડી થતાં ગત એપ્રિલ મહિનામાં વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વરાછા મીની બજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ એપાર્ટમેન્ટમાં ઓફિસ રાખી હીરાનો વેપાર કરે છે. તેમનો મોટા વરાછાના સારથી એવન્યુમાં રહેતા હર્ષીત ઉર્ફે હરી વિરાણી સાથે ધંધાકીય વ્યવહાર હતો. તે તેમની પાસે હીરા વેચાણ માટે લઇ જતો હતો, અને સારો નફો કરાવવાની સાથે પેમેન્ટ પણ સમયસર કરી દેતો હતો. આ દરમિયાન ગત તારીખ 3, 5 અને 15 એપ્રિલે તે તેમની પાસેથી જુદી જુદી ક્વોલિટીના રૂ. 1.28 કરોડના હીરા વેચાણ માટે લઇ ગયો હતો. ત્યારબાદ તે ગાયબ થઇ ગયો હતો, અને ફોન પણ બંધ કરી દીધો હતો. તેની તપાસ કરતાં તે અન્ય વેપારીઓ પાસેથી પણ રૂ. 27.17 લાખના હીરા લઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી વરાછા પોલીસે તેની સામે કુલ રૂપિયા 1.55 કરોડની ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને આરોપી હર્ષીત વિરાણી રાજસ્થાનના પુષ્કર ખાતે હોવાની બાતમી મળી હતી, ત્યારે વરાછા પોલીસે રાજસ્થાનના પુષ્કર ખાતે ટીમ મોકલી તપાસ કરી જોસ્ટેજ હોટલમાંથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અલગ અલગ ભાવના રૂ. 1.15 કરોડના હીરા અને રોકડ રકમ રૂ. 2.47 લાખ અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં આ આરોપીને શેર બજારમાં નુકસાન થતાં લોકો સાથે ઠગાઇ શરૂ કરી હતી. જોકે, આરોપી હીરા વેંચી મારે તે પહેલા જ વરાછા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

Next Story