સુરેન્દ્રનગર : રાજપર નજીક નર્મદા કેનાલમાંથી 3 લોકોના મૃતદેહ મળ્યા, મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા
જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીક નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ એક યુવતી, મહિલા અને પુરુષના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. તો બીજી તરફ, આ ત્રણેય મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.