Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : બુબવાણા નજીક ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં 3 શ્રમિકોના મોત, 6 લોકો દાઝ્યા

જિલ્લાના બુબવાણા નજીક શ્રમિકો ભરીને જતાં ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ટ્રેક્ટરમાં સવાર શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો.

X

સુરેન્દ્રનગર જિલ્લાના બુબવાણા નજીક શ્રમિકો ભરીને જતાં ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ટ્રેક્ટરમાં સવાર શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો. આ બનાવમાં 3 શ્રમિકોના મોત, જ્યારે 6 લોકો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરના બુબવાણા નજીક મોટી દુર્ઘટના સર્જાય છે. ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં વીજ કરંટ લાગતાં ટ્રેક્ટર પર સવાર 25 વર્ષીય ઉર્મિલાબેન, 50 વર્ષીય લાડુબેન અને 35 વર્ષીય કાજુભાઈ મોહનભાઈએ જીવ ગુમાવ્યો છે. તેમજ બાલીબેન લાભુભાઈ, નરેશભાઈ મોહનભાઈ, સુરમજી નિકેતભાઈ, સુખીબેન કાળુભાઈ અને રૂદ કાજુભાઈ મળી 6 શ્રમિકો દાઝી ગયા છે. બનાવના પગલે દસાડા પીએસઆઈ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો. તો બીજી તરફ, બનાવની જાણ થતાં પાટડી પ્રાંત કલેકટર જયંતસિંહ રાઠોડ, પાટડી મામલતદાર જી.પી.પટેલ અને નાયબ મામલતદાર રઘુ ખાંભલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને બાદમાં હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વીરમગામ હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રેક્ટરમાં બેસીને શ્રમિકો ખેતરમાં કાલા વીણવા જતા હતા, ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. જોકે, આ મામલે બુબવાણાના સરપંચે અગાઉ ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર PGVCLને નીચા વાયરો અંગે લેખિત રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જેમાં શ્રમિકો ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામમાંથી ખેતરે પહોંચે એ પહેલા રસ્તામાં જ આ ગોઝારી ઘટના બની હતી.

Next Story