Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચોકી ગામે સામાન્ય બાબતમાં પડોશીએ વૃધ્ધએ સળિયાના ઘા ઝીંક્યા, ૮ દિવસ બાદ વૃધ્ધનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો

બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા બાલકદાસ નિમ્બાર્કે સુરાભાઇને માથાના ભાગે સળિયાનો ઘા ઝીંકી દેતા સુરાભાઇને ગંભીર ઇજાઓ થતાં ઢળી પડ્યા હતા.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકી ગામે વરસાદી પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સે વૃદ્ધને સળિયાના ઘા ઝીંકી દેતા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાતા નાના એવા ચોકી ગામમાં ચકચાર મચી ગઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.લોકોની સહનશક્તિ ઘટી ગઈ હોય તેમ સામાન્ય બાબતોમાં પણ ઉગ્ર બની હત્યા નીપજાવી દે તેવા પણ ચોંકાવનારા બનાવો બની રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ ચુડા તાલુકાના ચોકી ગામમાં રહેતા ૮૦ વર્ષના વ્રુધ્ધ સુરાભાઇ ધાડવી સાથે બન્યો છે.તેઓ ઘર પાસે વરસાદી પાણીના નિકાલ માટે રસ્તા પર માટી નાખી રહ્યા હતા જે બાબતે તેમની પાડોશમાં જ રહેતા બાલકદાસ ઉર્ફે મુન્નો નાગરદાસ નિમ્બાર્ક સાથે બોલાચાલી થઈ હતી.

બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા બાલકદાસ નિમ્બાર્કે સુરાભાઇને માથાના ભાગે સળિયાનો ઘા ઝીંકી દેતા સુરાભાઇને ગંભીર ઇજાઓ થતાં ઢળી પડ્યા હતા. પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક સુરાભાઇને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ માથાના ભાગમાં સળિયાનો ઘા વાગતા હેમરેજ થઇ જતાં સારવાર કારગત ન નિવડતા ૮ દિવસ બાદ સુરાભાઇનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

ચુડા પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યા અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતમાં નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા ચોકી ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

Next Story