/connect-gujarat/media/post_banners/fd8856bbc4e025770e405e40b8502e38d834fe9ec12602fe040da77194c9906e.jpg)
સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના લોકમેળાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. પાંચમના પવિત્ર દિવસે મુખ્યમંત્રીએ ભગવાન ત્રિનેત્રેશ્વરનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી 6 માઈલ દૂર તરણેતરનો મેળો ભરાય છે. અહીના જંગલમાં તરણેતરનું અતિ પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે, વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર એટલે કે, ત્રિનેત્રેશ્વર મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. અહીં ભાદરવા મહિનામાં 3 દિવસનો મેળો ભરાય છે. તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની દ્રષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરણેતરના લોકમેળાની મુલાકાત લીધી હતી.
પાંચમના પવિત્ર દિવસે મુખ્યમંત્રીએ ભગવાન ત્રિનેત્રેશ્વરના પૂજન-અર્ચન કર્યા હતા. ત્યારબાદ ગ્રામીણ ઓલિમ્પિકની મુલાકાત લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ અહીં આયોજિત માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાની નિ:શુલ્ક તૈયારી કરી શકે તે માટે અનએકેડેમી સંસ્થા સાથે MOU પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, મેળાઓ આપણી લોક-સંસ્કૃતિની પરંપરાને જાળવવાનું કામ કરે છે. રાજ્ય સરકાર તરણેતરના મેળાના સ્થળે તળાવના બ્યુટીફિકેશન સહિતના પગલા લઈ તેને વધુ સુવિધાયુક્ત બનાવશે તેમ જણાવ્યુ હતું.