ગુજરાત સામાન્ય વહીવટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કનકીપતિ રાજેશની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે વચેટિયા તરીકે કામ કરતાં રફીક મેમણની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેને અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પહેલાં ગુરૂવારની મોડી રાત્રે CBIએ કે. રાજેશની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. બંદૂકના લાઇસન્સની પરવાનગીમાં લાંચ અને સરકારી જમીન પ્રાઈવેટ વ્યક્તિઓને પધરાવ્યા સહિતની 20થી વધુ ફરિયાદ કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન ગાંધીનગર, સુરેન્દ્રગર, સુરત ઉપરાંત આંધ્રપ્રદેશના રાજામુંદ્રીમાં તેમના નિવાસસ્થાને હાથ ધરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, પ્રત્યેક અરજદાર પાસેથી કલેક્ટર કે. રાજેશ દ્વારા રૂપિયા 5 લાખની લાંચ માગવામાં આવતી, જેમાં 4 લાખની રોકડ અને 1 લાખના ચેક પેટે લેતા હતા. આ અંગે ફરિયાદીએ જિલ્લા કલેક્ટર કલેક્ટર કે. રાજેશ સામે ચોંકાવનારા આરોપ મૂક્યા હતા.