Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારી યોજના અંતર્ગત સહાય ચૂકવવા ખેડૂતોએ "રામધૂન" બોલાવી

વરસાદ પાછો ખેંચાતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, કલેક્ટર અને ખેતીવાડી કચેરીએ ખેડૂતોની ઉગ્ર રજૂઆત.

X

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોએ ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ એસડીઆરએફ યોજના અંતર્ગત તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે રામધૂન બોલાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વરસાદ થયા બાદ મેઘરાજા જાણે રિસાયા હોય તેવી સ્થિતિ સર્જાતા છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોની હાલત દયનીય બની છે, ત્યારે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ખેડૂતો રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં જ રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે પોતાની માંગો પુરી કરવા દેખાવો કર્યો હતો.

ખેડૂત એકતા મંચના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જે પ્રથમ વરસાદ બાદ 28 દિવસ સુધી બીજો વરસાદ ન થાય કે, જિલ્લામાં 10 ઇંચથી ઓછો વરસાદ હોય તો હેક્ટર દીઠ રૂપિયા 25 હજાર સહાય ચૂકવણી કરવાની હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ 35 દિવસ થવા છતાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી નથી. તો સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા પણ ખેડૂતોને સહાય ન ચૂકવવી પડે તે માટે વરસાદના આંકડા પણ ચોપડે ખોટા બતાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Next Story