Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ગુજસીટોકના પેરોલજમ્પ આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ,PSI ઈજાગ્રસ્ત

લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.

X

સુરેન્દ્રનગરના લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં બે આરોપીઓ દ્વારા પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ

સુરેન્દ્રનગર ક્રાઇમબ્રાન્ચ દ્વારા ૩થી ૪ વર્ષ પહેલા હાઈવે પર ચાલુ વાહનમાં ચોરી કરતી ગેંગને ઝડપી તેમના વિરૂદ્ધમાં અંદાજે ૧૦૦થી વધુ ગુનાઓ હોવાથી ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં પ્રથમ વખત ૧૩ જેટલા શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ઝડપાયેલા આરોપીઓને અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.જે પૈકી અમુક આરોપીઓ દ્વારા કોઈ કામનું બહાનું કાઢી કોર્ટમાંથી પેરોલ મેળવ્યા બાદ પરત જેલમાં હાજર ન થઈ ફરી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતાં હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે થોડા સમય પહેલા ગુજસીટોકના ગુનામાં સંકળાયેલા અલ્લારખા ડફેર અને ફિરોઝખાન જતમલેકને કોર્ટ દ્વારા પેરોલ મળ્યા બાદ નાસતા ફરતા હતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું પોલીસને બાતમી મળી હતી.જેના ભાગરૂપે બન્નેને ઝડપી પાડવા એલસીબી ટીમ સહિત અલગ-અલગ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે આરોપીઓ લખતરના ઈંગરોળી ગામની સીમમાં હોવાની બાતમીના આધારે પ્લાન બનાવી એલસીબી સહિતની ટીમ ઈંગરોળી ગામની સીમમાં પહોંચી હતી. જ્યાં આરોપીઓ સાથે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન અલ્લારખ્ખા ડફેર અને ફિરોજખાન જતમલેક દ્વારા પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના વળતા જવાબમાં પીએસઆઈ આર.એચ.ઝાલા દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું .જો કે આરોપીઓ દ્વારા ફાયરિંગમાં પીએસઆઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં ડીએસપી ડો.ગીરીશકુમાર પંડયા, ડીવાયએસપી એચ.પી.દોશી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.ફાયરિંગ તેમજ હુમલો કરનાર બન્ને આરોપીઓને ઝડપી પાડયા હતા.ઝડપાયેલા આરોપીઓ પાસેથી હથિયાર, છરા તેમજ ચોરીના સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા અને અન્ય ગુનાઓ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

Next Story