આ છે... સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના શંભુભાઈ કે, જેમના દ્વારા ચકલી બચાવવા માટેનું ચાલી રહેલું અભિયાન આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે. છેલ્લાં 10 વર્ષમાં તેઓએ 40 હજારથી વધુ ચકલી ઘરનું વિનામુલ્યે વિતરણ કર્યું છે. જુઓ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...
“ચકીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં...” આ પંક્તિ જ્યારે આપણે નાના હતા, ત્યારે આપણાં વડીલો દ્વારા સાંભળવા મળતી હતી. જોકે, હવે આજના મોબાઈલ યુગમાં આ બધુ જોવા કે, સાંભળવા મળતું નથી. તો બીજી તરફ, હવે ચકલીઓ ઓછી થતી જાય છે. મોટાં શહેરોમાં તો ચકલીઓ સાવ લુપ્ત થઈ ગઈ છે, ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ છે તેવામાં વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના શંભુભાઈની. જેમના દ્વારા ચકલી બચાવવા માટેનું ચાલી રહેલું અભિયાન આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે. પક્ષી પ્રેમી શંભુભાઈ કહે છે કે, પ્રકૃતિએ આપણને ઘણું આપ્યું છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. ચકલી બચાવવાના પોતાના અભિયાન વિશે વાત કરતા જણાવે છે કે, ચકલીઓના મધુર અવાજથી મારું ઘરઆંગણું ગુંજી ઊઠતું કારણ મારા ઘરઆંગણે પૂંઠાના બનાવેલા ચકલીઘરમાં ચકલીએ માળો બનાવ્યો હતો. રોજે સુથારી કામના વ્યવસાય પર નીકળું એ પહેલાં મારી નજર એ ચકલીઘર પર પડતી. કિલ્લોલ કરતી ચકલીઓને જોઈ મને પણ આનંદ થતો. પરંતુ એક દિવસ એવું બન્યું કે, વરસાદના કારણે પૂંઠામાંથી બનાવેલ ચકલીઘર ભીંજાઈ ગયું અને આખરે તૂટી ગયું! ચકલીએ બનાવેલ એ માળો અને માળામાં રહેલાં ઈંડાં નીચે પડી ગયાં અને તૂટી ગયાં. આ જોઈને મારું મન કકળી ઊઠ્યું અને મેં નક્કી કર્યું કે, હવે ચકલીઓ માટે પૂંઠાનું નહીં પરંતુ લાકડાનું મજબૂત ચકલીઘર બનાવીશ અને વિનામૂલ્યે વિતરણ પણ કરીશ.'
પક્ષી પ્રેમી શંભુભાઈએ પોતાના ધંધામાંથી સમય કાઢીને બે કલાક ચકલીઓ માટે લાકડાનાં ઘર બનાવે છે. આ ઘર મજબૂત અને ટકાઉ છે. વરસાદ- ઠંડી -ગરમીથી ચકલીઓને રક્ષણ આપે છે. આ ચકલીઘરની આવરદા 10થી 12 વર્ષની છે. વર્ષ 2024 સુધીમાં 51,000 ચકલીઘરનું વિતરણ કરવાનો નિર્ણય કરતા શંભુભાઈએ અત્યાર સુધીમાં આવાં 40 હજારથી વધુ ચકલીઘરનું વિતરણ કર્યું છે. શંભુભાઈએ શાળા, મંદિરો, ઘરો તેમજ વિવિધ સ્થળોએ વિનામૂલ્યે ચકલીઘર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું. શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાઓએ ચકલી પાછી આવવા લાગી. જ્યાં ઘણા સમયથી લોકોએ ચકલીઓ નહોતી જોઈ ત્યાં પણ ફરી ચકલીઓ દેખાવા લાગી. લોકો તરફથી પણ તેમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો અને લોકો જન્મદિવસની ઉજવણી અને શ્રદ્ધાંજલિ જેવા પ્રસંગે શંભુભાઈ પાસેથી ચકલીઘર બનાવડાવા લાગ્યા. શંભુભાઈનો નિર્ધારિત કાર્યમાં સહકાર મળ્યો. ક્લબના સભ્યો, પક્ષીપ્રેમીઓ, નામાંકિત સંસ્થાઓની મદદથી વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરવામાં પણ મદદ મળી છે