સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાડી ગામમાં આવેલ 1200 વર્ષ જૂના મુનિની ડેરી નામે ખોળખાતા શિવ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ શિવલિંગ અને પોઠિયાને દૂર કરીને ખોદકામ કરાતા અનેક રહસ્યો ઘેરાયાં છે, ત્યારે મામલતદાર સહિત પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવી ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.
થાનથી 5 કિમી દૂર આવેલા જામવાડી ગામની ભાગોળે મુનનું દેવળ તરીકે ઓળખાતું પ્રખ્યાત શિવમંદિર આવેલું છે. આ શિવમંદિર 1200થી વધુ વર્ષ પ્રાચીન હોવાથી પુરાતત્વથી રક્ષિત જાહેર કરાયું છે. ખૂબ ઓછી અવરજવર ધરાવતા આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ શિવલિંગ અને પોઠિયામાં તોડફોડ કરી મંદિરમાં 5થી 6 ફૂટનો ખાડો ખોદી દેવાયો હતો. આ વાતની જાણ થતાં જ થાન પીઆઇ એમ.પી.ચૌધરી અને મામલતદાર હાર્દિક મકવાણા સહિતની ટીમ જામવાળી ગામે દોડી આવી ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.
જોકે, મુઘલોના સમયમાં મંદિરો તોડીને ગુપ્ત ધનની લૂંટ ચલાવી હોવાની વાતો ઇતિહાસમાં આજે પણ મોજૂદ છે, ત્યારે ગુપ્ત ધન હોવાની આશંકાએ જામવાડીના મંદિરમાં ખોદકામ કરાયું હોવાનું માનવામાં આવે છે. જોકે, મંદિરમાં તોડફોડ સાથે ખોદકામ કરવામાં આવતા સ્થાનિક સહિત અન્ય લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, ત્યારે ખોદકામ કરનાર કોણ છે અને તેને કઈ મળ્યું છે કે, નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.