ખારાઘોડા હિન્દુસ્તાન સોલ્ટ લી.ના પડતર પ્રશ્નનો મામલો
અગરિયા સમુદાય દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
અગરિયાઓએ હલ્લાબોલ કરતાં ધારાસભ્ય દોડી આવ્યા
કંપનીના જનરલ મેનેજર સાથે મેરેથોન બેઠક બાદ નિર્ણય
તમામ પ્રશ્નોમાં સકારાત્મક નિરાકરણની ખાત્રી અપાય
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા હિન્દુસ્તાન સોલ્ટ લી.ના વિવિધ પ્રશ્નો બાબતે અગરિયાઓએ હલ્લાબોલ કરતાં ધારાસભ્ય પી.કે.પરમાર દોડી આવ્યા હતા, જ્યાં કંપનીના જનરલ મેનેજર સાથે બેઠક કરી તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાત્રી અપાતાં અગરીયા સમુદાયમાં ખુશીની લહેર જોવા મળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાગોઢા નવાગામ-સ્ટેશનના અગરિયાઓના હિંદુસ્તાન સોલ્ટ કંપની સાથેના વિવિધ પ્રશ્નો સબબ અગરિયા આગેવાનોએ દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર સાથે રજૂઆત કરતા હિંદુસ્તાન સોલ્ટ કંપનીના જનરલ મેનેજર સોમનાથ રોય સાથે અગરિયાઓના પ્રતિનિધિઓની બેઠક યોજાય હતી. જેમાં ખારાઘોડા હિંદુસ્તાન સોલ્ટ કંપની મારફતે રહેણાંક મકાનોના ભાડા માટે આપેલી નોટિસો, કંપનીના નિવૃત્ત કર્મચારી તેમજ અગરિયાઓના હક્કો બાબતે તથા કંપનીના અગરિયા પાસેથી મીઠું પકવતા અગરિયા પાસે જમીન ભાડા પેટે વસૂલ કરવામાં આવતા બ્રિટન વોટરની તેમજ અન્ય અગરિયાઓના રહેણાંકના પ્રશ્નો સબબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંતમાં હિંદુસ્તાન સોલ્ટ કંપનીના જનરલ મેનેજર સોમનાથ રોયએ અગરિયા તેમજ નવાગામ સ્ટેશનના રહીશોના કોઈ જ હક્ક હિતને નુકશાન નહી થાય તેમજ દરેક પ્રશ્નોમાં સકારાત્મક નિર્ણય લઈ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા ધારાસભ્ય પી.કે.પરમારને ગ્રામજનો અને ગામ આગેવાનોની હાજરીમાં ખાત્રી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. આ મેરોથોન મિટિંગમાં ધારાસભ્ય સાથે ખારાઘોડાના સરપંચ, પૂર્વ સરપંચ સહિત ખારાઘોડા ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા.