Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : દારૂનો વિપુલ જથ્થો, 2 ટ્રક સહિત રૂ. 1.03 કરોડના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ

બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે.

સુરેન્દ્રનગર : દારૂનો વિપુલ જથ્થો, 2 ટ્રક સહિત રૂ. 1.03 કરોડના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ
X

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી થતી અટકાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે મોટાપાયે દારૂ મંગાવતા બૂટલેગરોમા રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના બાતમીદારોનું નેટવર્ક અત્યંત સ્ટ્રોંગ હોવાને કારણે અન્ય રાજ્યમાંથી દારૂ ભરાઈને ટ્રક નિકળે અને સૌરાષ્ટ્ર-ગુજરાતમા તેના મુળસ્થાને પહોંચે તે પહેલાં જ પકડાઈ રહ્યો છે. આવા જ બે સફળ અને મોટા દરોડા બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યા પ્રમાણે બગોદરા પાસેથી પકડાયેલો દારૂ હરિયાણાથી ભરાઈને રાજકોટ આવી રહ્યો હતો જ્યારે બાવળા પાસેથી પકડાયેલો દારૂ સુરેન્દ્રનગર જિલ્લાના થાન પહોંચાડવાનો હોવાનું ખુલ્યું છે.

દારૂની બદીને ડામી દેવાના ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નિરજા ગોટરુ, એસપી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો તડાપીટ બોલાવી રહી છે. દરમિયાન એસએમસીના પીએસઆઈ ડી.જે.બારોટે બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતાં હાઈ-વે ઉપર સાવંતી જૈન મંદિર સામે રામનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ટ્રેલર નં. RJ-14-GE-7077ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી સોડા જેવા પાઉડર ભરેલી 320 ગુણીઓ મળી આવી હતી. આ પછી ગુણીઓ હટાવીને ટ્રક ચેક કરવામાં આવતાં તેમાંથી 35,05,500 રૂપિયાની કિંમતનો 11988 બોટલ દારૂ મળી આવ્યો હતો. જે જોઈને દરોડો પાડનારી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જોકે, દરોડો પડતાં જ ટ્રેલરનો ચાલક વાહન રેઢું મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રેલર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે. સાથે સાથે એવો ખુલાસો પણ થયો છે કે, દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગરના થાન લાવવામા આવી રહ્યો હતો. અહીંથી પોલીસે દારૂ, ટ્રેલર સહિત રૂ. 55,42,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ડી.જે.બારોટે અમદાવાદથી રાજકોટ જતા હાઈ-વે ઉપર બગોદરા પાસે હોટેલ વે-વેઈટની સામેના રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રક નં. RJ-19-GG-9615ને અટકાવીને તલાશી લેતામાં તેનાં કેપ્સીકમ મરચાની 266 ગુણી હેઠળ 27,26,100 રૂપિયાની કિંમતનો 7190 બોટલ દારૂ મળી આવ્યો હતો.

આ પછી રાજસ્થાનના ટ્રક ચાલક ભીખારામ દેવાશીની ધરપકડ કરી લેવામાં આવી હતી. દારૂનો આ જથ્થો રાજકોટ પહોંચાડવાનો હોવાની કબૂલાત આપતાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ મોકલનારા રાજસ્થાનના સપ્લાયર તેમજ મંગાવનારા રાજકોટના બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. અહીંથી એસએમસીએ ટ્રક, દારૂ સહિત કુલ રૂ. 47,84,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આમ 2 સ્થળે દરોડા પાડીને સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂ-બિયરની 19178 બોટલ-ટીન સહિત કુલ રૂ. 1.03 કરોડના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની સઘન શોધખોળ ચાલુ કરાઈ રહી છે.

બીજી બાજુ પોતાના વિસ્તારમાંથી દારૂ ભરીને બે મોટા ટ્રક પસાર થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ ઉંઘમાં રહી જતાં આવનારા સમયમાં તેમની સામે કડક કાર્યવાહી થવાના નિર્દેશ પણ મળી રહ્યા છે. જોકે, હરિયાણાથી ભરાઈને રાજકોટ આવી રહેલા 7190 બોટલ વિદેશી દારૂ-બીયરના ટીનના જથ્થાને બગોદરા હાઈ-વે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. આ સાથે જ ટ્રકના ચાલક ભીખારામની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતાં તેણે એવી કબૂલાત આપી હતી કે, ‘મને ઉપરથી એટલું કહેવામાં આવ્યું હતું કે, રાજકોટ નજીક પહોંચીને બુટલેગરને ફોન કરજે એટલે એ તારી ગાડી લઈ જશે...’ આ સિવાયની તેને કશી જ ખબર નહીં હોવાનું રટણ કરી રહ્યો છે. જોકે, પ્રારંભીક તપાસમાં એવું ખુલ્યું છે કે, જે દારૂનો આ જથ્થો જોધપુરના જી.એસ. નામના સપ્લાયરે ભરી આપ્યો હતો.

Next Story