-
પેપરમીલમાં ભીષણ આગથી નાસભાગ
-
પેપર રોલ્સ,પૂંઠાનો જથ્થો આગમાં બળીને ખાખ
-
ભીષણ આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડે કર્યો પ્રયાસ
-
આર્મીની મદદ પણ લેવામાં આવતા આગ આવી કાબુમાં
-
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મીલમાં શનિવાર 22મી માર્ચના રોજ બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી.જે આગ બેકાબુ બનતા અન્ય જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા,જ્યારે ઘટનામાં આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ ગામ નજીક આવેલી પેટસન પેપર મીલમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. તંત્રના અધિકારીઓ સહિત ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પેપર મીલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે.
અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સેનાના જવાનો પણ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેને પગલે હાલ આગ ઘટનાના 20 કલાક બાદ કાબૂમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નહોતી.