સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં રણપ્રદેશમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓ મુશ્કેલીમાં મુકાય ગયાં છે. વરસાદમાં સોલર પેનલ સહિતના સાધનો પાણીમાં ગરકાવ થઇ જતાં અગરોમાંથી ગારો કાઢવાની કામગીરી પર બ્રેક લાગી ચુકી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસરના કારણે રાજયમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેતીને નુકશાન તો થયું છે પણ સુરેન્દ્રનગરના અગરિયાઓની પણ હાલત કફોડી બની હોવાની વિગતો સામે આવી છે. રણમાં કમોસમી વરસાદના પગલે અગરિયાઓએ લગાવેલી સોલર પેનલો પાણીમાં ડુબી ગઇ છે. ધ્રાંગધ્રાના રણ કોપરાણી એજારના રણથી માંડી છેક હળવદના ટીકર સુધીના રણમાં રહેતાં અગરિયાઓની હાલત કમોસમી વરસાદથી બગડી છે. વરસાદના પગલે અગરોમાંથી ગારા કાઢવાનું કામ અટકી ગયું છે.
રણમાં વરસાદના પગલે વાછડાદાદા મંદિરે જવાનો રસ્તો બંધ થતાં મંદિરે નહિ આવવા ભકતોને વિનંતી કરાય છે. ઝીંઝુવાડા રણમાં આવેલી વાછડાદાદાની ઐતિહાસિક જગ્યા પર સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. થોડા સમય અગાઉ વાછડાદાદા મંદિરના ભક્તજનો દ્વારા રણમાં જેસીબી અને ટ્રેક્ટરો સહિતના સાધનો વડે રસ્તો બનાવવામાં આવ્યો હતો. વધુમાં અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે જતા રહેવા આદેશ કરવામાં આવ્યો છે. મીઠું પકવવા ગયેલા અગરિયાઓ પાટા ભરવાની તૈયારીમાં હતા ત્યાં કમોસમી માવઠું થતાં અગરિયા સમુદાયની હાલત કફોડી થઇ છે.