સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનો રોગ ફેલાઈ રહ્યો છે જેને લઇને પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે ત્યારે તંત્ર દ્વારા આ રોગને વધુ ફેલાતો અટકાવવામાં આવે તેમજ પશુપાલકોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમ ધ્રાંગધ્રા તાલુકામાં લમ્પી વાઇરસનો રોગ પશુઓમાં જોવા મળ્યો હતો ત્યાર બાદ ચોટીલા, થાન, વઢવાણ, લીંબડી, સાયલા અને ચુડા તાલુકામાં પણ અનેક પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમં ભય સાથે ચિંતાનો માહોલ જોવા મળી છે. લમ્પી વાઇરસના કારણે જિલ્લામાં પશુઓના મોત થયાના પણ બનાવો બન્યા છે ત્યારે વધુ પશુઓ આ રોગનો ભોગ બનતા અટકે તે માટે તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ ૨૪ કલાક હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવે, પાલિકા કચેરીમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે તે સહિતની બાબતો અંગે માલધારી સેના તેમજ માલધારી સમાજના સંતો મહંતો અને આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી.તેમજ લમ્પી વાઇરસના કારણે જે પશુપાલકોના પશુઓના મોત થયા છે તેમને સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરી હતી.