Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : દિલ્હીમાં પ્રસરાવી ઓર્ગેનિક શાકભાજીની મહેક, ગૌતમગઢના ખેડૂત બન્યા "ફુડ હીરો ઓફ ઇન્ડીયા"

ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લીંબુ અને શાકભાજી માટે “વર્લ્ડ ફુડ ડે” નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં “ફુડ હીરો ઓફ ઇન્ડીયા”નો એવોર્ડ સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમારને એનાયત કરવામાં આવ્યો છે

X

ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લીંબુ અને શાકભાજી માટે "વર્લ્ડ ફુડ ડે" નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં "ફુડ હીરો ઓફ ઇન્ડીયા"નો એવોર્ડ સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમારને એનાયત કરવામાં આવ્યો છે, ત્યારે હમીરસિંહ પરમાર સમગ્ર ગુજરાતમાં આ એવોર્ડ મેળવનાર પ્રથમ ખેડૂત બન્યા છે.

રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓના ભરપુર ઉપયોગ સાથેની આજની ખેતીના જમાનામાં ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમાર દ્વારા વર્ષ 2008થી ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. 3 એકર જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિ દ્વારા ખેતીમાં તેઓ જાતે બનાવેલા સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ કરે છે. આ સાથે જ તેઓ કોઈપણ પ્રકારની જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં નથી. જો, આસપાસના ખેતરોમાં ખેડૂતો જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય અને તેની હવા આ ઓર્ગેનિક છોડને ન લાગે તે માટે ખેતરની ચારે તરફ વૃક્ષોની જીવંત વાડ બનાવી છે. 3 એકર જમીનમાં 220 લીંબુના થડ, 5 ચીકુ, 5 આંબા અને 5 બોરના થડ રોપ્યા છે. આ ઉપરાંત વચ્ચે ખાલી રહેતી જગ્યામાં તમામ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું છે. આમ સંપુર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી પાકનું ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે 16 ઑક્ટોબરના રોજ સેન્ટર ફોર ક્વોલીટી એન્ડ ફુડ સેફ્ટી દ્વારા વર્લ્ડ ફુડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સહીત દેશભરના અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમારે ઓર્ગેનિક પધ્ધતિથી ઉત્પાદન કરેલા લીંબુ, શાકભાજી અને લીંબુનું મીઠું અથાણાંની પસંદગી થઇ હતી. આ પ્રસંગે હમીરસિંહ પરમારને ફુડ હીરો ઓફ ઇન્ડીયાનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ સમગ્ર દેશમાં માત્ર 5 વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવ્યું છે અને ગુજરાતમાંથી આ સર્ટિફિકેટ મેળવનાર ખેડૂત હમીરસિંહ પરમાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. જેથી કહી શકાય કે, ઝાલાવાડના ઓર્ગેનિક લીંબુ અને શાકભાજીની મહેકે દિલ્હીમાં પણ ડંકો વગાડી દીધો છે.

Next Story