ધ્રાંગધ્રામાં ખેડૂતોએ બાગાયત ખેતીમાં મેળવી સફળતા
કપાસ,મગફળીની ખેતી કરતા ખેડૂતોએ ફૂલની ખેતી અપનાવી
ગલગોટાના ફૂલની ખેતી કરીને મેળવી રહ્યા છે આવક
દિવાળી,નવરાત્રી,લગ્નની સીઝનમાં મળે છે સારો ભાવ
અન્ય ખેડૂતો પણ રોકડીયા પાક તરફ વળે તે માટે કરી અપીલ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતે પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે. તેમણે 30 વીઘા જમીનમાં ગલગોટા ફૂલનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત જયેન્દ્રસિંહ પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે.અગાઉ જયેન્દ્રસિંહ કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કરતા હતા. જોકે, આ પાકોમાં ઉત્પાદન ખર્ચ વધુ આવતો હતો અને બજારમાં પૂરતા ભાવ મળતા નહોતા. આથી, તેમણે રોકડિયા પાકો તરફ વળવાનો નિર્ણય કર્યો હતો.તેમણે પોતાની 30 વીઘા જમીનમાં એક લાખ ગલગોટાના રોપાનું વાવેતર કર્યું છે. દરેક છોડ દીઠ આશરે એક કિલો ફૂલનું ઉત્પાદન થાય છે.
નવરાત્રી, દિવાળી અને લગ્નની સિઝન દરમિયાન ફૂલોના ભાવ પ્રતિ કિલો 50 થી 60 રૂપિયા સુધી મળે છે, જેનાથી તેમને સારો નફો થાય છે.જયેન્દ્રસિંહના મતે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને ખેડૂતો બમણી આવક કરી શકે છે. તેઓ અન્ય ખેડૂતોને પણ આવા રોકડિયા પાકો અપનાવવા અપીલ કરી રહ્યા છે.
આ ઉપરાંત કોંઢ ગામના જ અન્ય એક ખેડૂત કિરીટભાઈ પણ છેલ્લા ત્રણ વર્ષથી 40 વીઘા જમીનમાં ગલગોટા ફૂલની ખેતી કરીને સફળતાપૂર્વક આવક મેળવી રહ્યા છે.