Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો સતત બીજા વર્ષે પણ રહેશે બંધ

સતત બીજા વર્ષે પ્રસિદ્ધ તરણેતરનો મેળો રહેશે બંધ, કોરોનાની ત્રીજી લહેરની ભિતીને પગલે લેવાયો નિર્ણય.

X

કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે પણ લોકમેળાઓ બંધ રહેશે. સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો લોક ભાતીગળ મેળો જિલ્લા કલેક્ટર દ્વારા રદ્દ કરવામાં આવ્યો.

સુરેન્દ્રનગર તરણેતરનો સુપ્રસિદ્ધ જગ વિખ્યાત તરણેતરીયો મેળો આ વર્ષે પણ બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાનુ સંક્રમણ ન ફેલાય એની સાવચેતીના ભાગરૂપે મેળો બંધ રાખવાનો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે મેળો બંધ રહેતાં મંદિર પર ધજા ચડાવવાની પરંપરાને સાદાઇથી પૂર્ણ કરાશે. જિલ્લામાં સતત બીજા વર્ષે પણ લોક મેળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતા મેળા પ્રેમી જનતામાં નિરાશાની લહેર વ્યાપી જવા પામી છે.

બીજી બાજુ સુરેન્દ્રનગર વઢવાણ અને ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી પર્વ પર યોજાતાં ભવ્ય લોકમેળા અને ડાયરાઓ પણ ચાલુ વર્ષે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ધાર્મિક સ્થળો પર કોરોનાની ગાઇડલાઇન અને રાબેતા મુજબ પુજા અર્ચના કરવાનું કલેકટર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી અને કોરોનાની ત્રીજી લહેરની ભિતીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં લોક મેળાઓ બંધ થતા નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઇ હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. રમકડાં, પાઉચ, નાસ્તા સહીતના નાના ધંધા સાથે જોડાયેલા લોકોને આ વર્ષે પણ ફટકો પડશે. જોકે, સરકારની સુચના મુજબ થાનનો તરણેતરનો મેળો આ વર્ષે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ મંદિર ખુલ્લુ રહેશે અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલબ કરવામાં આવશે. મંદિરમાં 400થી વધુ લોકો ભેગા મળીને દર્શન કરી શકશે નહીં.

Next Story