જો, સર્પ કોઈના મકાન, ઓફીસ, ખેતર અથવા રહેણાંક વિસ્તારમાં આચનક આવી જાય તો લોકો ગભરાઈ જતાં હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની ધ્રાંગધ્રા કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રતીક દવે છેલ્લા 30 વર્ષથી રેસ્ક્યુ કરી સર્પને સલામત સ્થળે છોડી મુકે છે. આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે આચાર્ય દ્વારા સર્પ વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જીવદયા પ્રેમીઓ અને પર્યવરણ સાથે સંકળાયેલી સંસ્થા સિવાય ભાગ્યે જ કોઈને ખબર હશે કે, આજે 16 જુલાઈને વિશ્વ સર્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ધ્રાંગધ્રા કોલેજના આચાર્ય ડૉ. પ્રતીક દવે દ્વારા ઝાલાવાડના વિવિધ વિસ્તારના સર્પ વિશે માહિતી આપતું પુસ્તક લખવામાં આવ્યું છે. ઘુડખર અભયારણ્ય દ્વારા તેમને પુસ્તક લખવા માટે કહેવામાં આવ્યું હતું. આ પુસ્તક લખી તેઓએ વન વિભાગને અર્પણ કર્યું હતું. તેઓએ કોઈપણ વન્ય જીવજંતુ જેવા કે, સાપ, અજગર ઝેરી કે, બિન ઝેરી જીવજંતુને પકડીને તેના અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરે છે. તો સાથે જ વન્યજીવને બચાવવા માટે બીજા યુવાનોને પણ તૈયાર કરી માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં સાપ, કાળોતરો, ખળચિતળો કે, અન્ય કોઇ જીવજંતુ નીકળતા રહે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગ પણ ખૂબ વધી રહ્યું છે, ત્યારે વન્યજીવને બચાવવા તે સૌકોઈની ફરજ છે. જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે, બીન ઝેરી જીવજતું નીકળે છે. તે સમયે લોકો ખૂબ જ ભયભીત થઈ જતાં હોય છે, ત્યારે આવા જીવજંતુથી ડર ન રાખવા માટે આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી.