દક્ષીણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સતત વરસી રહેલા વરસાદના કારણે સપાટીમાં ઉતરોઉત્તર વધારો નોંધાય રહ્યો છે, ત્યારે તાપી નદી કિનારા વિસ્તારોને તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
અવિરત વરસાદના કારણે દક્ષીણ ગુજરાતના ઉકાઈ ડેમની સપાટી રુલ લેવલને પાર થઈ ગઈ છે. ઉકાઈ ડેમ હવે ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર છે, ત્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 341.31 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં હાલ 88,643 ક્યુસેક પાણીની આવક છે. જેને પગલે ઉકાઈ ડેમના અધિકારી દ્વારા ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 22 દરવાજા પૈક્કી 4 દરવાજાને 4 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી.
આ સાથે જ ડેમમાં હાઈડ્રો મારફતે લગભગ 53,000 ક્યુસેક પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે હાલ તો વહીવટી તંત્ર દ્વારા તાપી નદી કિનારા વિસ્તારોને તકેદારીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.