પ્રાચીન નવરાત્રીની અદભૂત પૌરાણિક પરંપરા
આદિવાસી સમાજમાં અનોખી આસ્થા અને શ્રદ્ધા
નવરાત્રીમાં ધર્મીરાજાની વાડીનું કરાય છે સ્થાપન
પૂર્વજ (ખત્રી) મનાતા એક પથ્થરની પૂજા થાય છે
અતૂટ બંધનનો પર્વ હોવાની માન્યતા
દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ એક એવી પરંપરા જીવંત છે, જે વર્ષો જૂની આસ્થા અને શ્રદ્ધાની સુવાસ ફેલાવે છે.નવરાત્રી એટલે મોઢેથી ગવાતા ગરબા અને પૂર્વજો સાથેના અતૂટ બંધનનો પર્વ હોવાની માન્યતા છે.
દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારો પરંપરાગત ઉત્સવોની ઉજવણી માટે જાણીતો છે,અને નવરાત્રીમાં વર્ષો જૂની આસ્થા અને શ્રદ્ધાની સુવાસ ફેલાવે છે.આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન અહીં એક અનોખું સ્થાનક ઉભું કરવામાં આવે છે, જેને ધર્મીરાજાની વાડી કહેવામાં આવે છે.
આ વાડીમાં જવારા ઉગાડવામાં આવે છે અને સાવન માતાની સ્થાપના કરાય છે. રસપ્રદ વાત એ છે કે અહીં કોઈ આકૃતિ કે મૂર્તિની નહીં, પરંતુ પૂર્વજ (ખત્રી) મનાતા એક પથ્થરની પૂજા કરવામાં આવે છે. કુંવારિકાઓ દ્વારા માટલીઓ મૂકી દીવા પ્રગટાવીને આખું સ્થાનક તૈયાર કરાય છે.
આ સ્થાનક તૈયાર થયા પછી ભક્તિ અને આરાધનાનો અનોખો દોર શરૂ થાય છે. ગરબા રમવા માટે કોઈ સાઉન્ડ સિસ્ટમની જરૂર નથી. પ્રાચીનકાળથી ચાલી આવતી પરંપરા મુજબ, આદિવાસી ભાઈ-બહેનો મોઢેથી ગીતો ગાઈ ગરબી કરે છે. ગરબામાં એક ટીમ ગીતની શરૂઆત કરે છે, અને સામેની ટીમ તે ગરબાને ઝીલીને આગળ વધારે છે. આ રીતે ભક્તિનું વાતાવરણ સર્જાય છે.
આ ગરબા અને પૂજા પાછળની માન્યતાઓ પણ જીવન સાથે જોડાયેલી છે. આદિવાસી સમાજ ધર્મીરાજા અને સાવન માતાને આરોગ્યની સુખાકારી મળે, ખેતી સારી થાય, આખું વર્ષ નિર્વિઘ્ને પસાર થાય અને ધરતી પરના તમામ જીવોનું રક્ષણ થાય તે માટે પ્રાર્થના કરે છે. આ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પ્રકૃતિ અને જીવનના આધારને સન્માન આપવાની એક રીત છે. નવરાત્રીનું સમાપન થતા, પૂજા-અર્ચના પછી, આ ધર્મીરાજાની વાડીને પવિત્ર ભાવ સાથે પાણીમાં પધરાવવામાં આવે છે, જે પ્રકૃતિમાં પરત ફરવાના ચક્રનું પ્રતીક છે.