ભારત બંધના એલાનને ગુજરાતમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ
SC-ST વર્ગના લોકોમાં સુપ્રીમના નિર્ણય સામે રોષ ફાટ્યો
SC-ST વર્ગમાં ક્રિમીલેયર લાગુ કરવામાં આવતા વિરોધ
સાબરકાંઠા, જુનાગઢ, પાટણ, વલસાડમાં વિરોધ પ્રદર્શન
પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચુકાદાનો અમલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તે અગાઉ SC-ST વર્ગમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે, ત્યારે આજે દેશભરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં બંધની અસરને મિશ્ર પ્રતિસાદ મળતા સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી બંધની સફળ અને અસફળ અસર વર્તાઈ હતી.
સુપ્રીમ કોર્ટના SC-ST અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શનો યોજાય રહ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં બંધની અસર જોવા મળી હતી. SC-ST આરક્ષણમાં ક્રીમીલીયર, નોન ક્રીમીલીયર લાગુ કરવાના સુપ્રિમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. સાબરકાંઠાના વિજયનગર, ચિઠોડા, અંદ્રોખા અને આંતરસુબ્બા આશ્રમમાં બજારો સવારથી બંધ જોવા મળ્યા હતા. જોકે, બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય બનવા ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તો બીજી તરફ, બોટાદમાં પણ ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બોટાદ શહેરમાં દલિત અધિકાર મંચના યુવાનોએ દુકાનો બંધ કરાવી હતી. દલિત અધિકાર મંચના યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દલિત અધિકાર મંચના યુવાનો દ્વારા વેપારીઓને અપીલ કરાતા વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. વિરોધ પ્રદર્શન કરતાં યુવાનોએ જણાવ્યુ હતું કે, સુપ્રિમ કોર્ટ નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી આંદોલનો યથાવત રાખવા દલિત અધિકાર મંચે નિર્ણય વ્યક્ત કર્યો છે.
ભારત બંધ અંગેના એલાનના પગલે જુનાગઢ જિલ્લામાં બંધની આંશિક અસર જોવા મળી હતી, જ્યાં સવારના 11 વાગ્યા સુધી બંધ રહેલી દુકાનો વેપારીઓએ ધીમે ધીમે ખોલવા લાગ્યા હતા. અનામત મુદ્દે SC-STના સામાજિક કાર્યકર સંદીપ ચૌહાણે સાથ સહકાર આપવા બદલ વેપારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બંધના એલાનના પગલે રેલી પણ યોજવામાં આવી હતી. જે રેલી પૂર્ણ થયા બાદ આ અંગે કલેકટર કચેરીએ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.
SC અને STમાં ક્રીમીલેયર માટે અનામતને લઈને આજે એટલે કે, 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રીમીલેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું, ત્યારે આજે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના તમામ બજારોમાં વેપારીઓએ સ્વૈચ્છીક રીતે સજ્જડ બંધ પાડી ભારત બંધને સમર્થન આપ્યું હતું. તો તાલુકાના ઉમલ્લા તેમજ ઝઘડીયામાં ભારત બંધના એલાનની નહીવત અસર જોવા મળી હતી.
ઉત્તર ગુજરાતના પાટણમાં SC-SC સમાજના લોકોએ રોડ પર ઉતરી આવી ઉગ્ર સુત્રોચાર સાથે અનામતમાં વર્ગીકરણના સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મુખ્ય રોડ પર લોકોએ બેસી જઈ ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે, વિરોધ કરી રહેલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ તરફ, દાહોદ શહેરના આંબેડકર ચોક ખાતે SC- ST સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોએ એકત્ર થઈ સુપ્રિમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સંસ્થાના અધિકારીઓ અને કાર્યકરોએ રેલી કાઢી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જ્યારે દાહોદના વેપારીઓએ પણ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારત બંધના એલાનને સમર્થન સાપડ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા SC-ST વર્ગીકરણના ચુકાદોને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં સંપૂર્ણ બંધ પાડીને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સ્થાનિક આદિવાસી નેતાઓ દ્વારા રેલી યોજી તંત્રને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.